Posted by: malji | January 28, 2010

ગુજરાતી શાયરી ભાગ-૪૨

મહેકશે માટી ફરીથી પ્રીતની,
આંખ માં જળ જળ થતો વરસાદ છે.

તને યુદ્વમાં ક્યાં પરાજય ગમે છે ?
પણછ કાપવા છળકપટ તું રમે છે.

-ચિનુ મોદી

એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને,
જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે ?

-જલન માતરી

મહોબત નાં જગતમાં તો આ એક અદનો શિરસ્તો છે,
દિલ ડૂબે ભલે પણ નયન ભીંજાઇ શકતાં નથી.

-સૈફ પાલનપુરી

જુઓ તો આપણી વચ્ચે છે અંતર એટલું કેવળ,
છે અંતર જેટલું જાણે વદન ને આયના વચ્ચે.

-દિલીપ પરીખ

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

-ગની દહીંવાલા
 

Posted by: malji | December 29, 2009

અમને વિશ્વાસ છે

શાકભાજી વેચનાર ના ત્રાજવામાં અમને
વિશ્વાસ છે-
તમારા આ ન્યાય ના ત્રાજવામાં લગીરે નહીં.
ગુનેગાર ના હાથ માં ત્રાજવાનો કાંટો
જે ત્રાજવે ગુનેગાર ને જોખવાનો ?
તમે ટેબલ પર હથોડી ઠોકીને અમને
ચૂપ રહેવાનું કહો છો.

ન્યાય ની પવિત્રતાના થોથાં ભરેલાં કબાટો
બતાવો છો.
ક્યારેક
તમે લાંબા પગે રણ માં દોટમદોટ કરતા તમારા
પાંચ પચ્ચી ઊંટ ને જંગલ માં મોકલો છો.
જંગલ એટલે? લીલાં પાન? ફૂલપત્તી? ડાળખાં ?
જંગલ તો
મોટીમસ ફાંદ થી ખડખડ હસતો,
સૂરજ નો લાડવો કરી હાથ મોં દાઝી જાય તોંય
પેટમાં વ્યવસ્થિત ગોઠવી દેતો બ્રાહ્મણ.
ને
ક્યારેક
અમે ન્યાય માટે સૂત્રોચ્ચાર કરીએ,
બૂમો પાડી એ,
લાઠીઓ ઉગામી એ,
ધારીયાં સજાવીએ,
દાતરડાં પકડી એ,
ત્યારે તમે દૂર તમારા સાગરીતો સાથે
લાંબો ઘૂમટો તાણીને ઊભા રહો છો-
ને રસ્તા વચ્ચે ઊભું કરીદો છો-
મોટું મજબૂત સાંકળોવાળું ત્રાજવું-
અમને તમારા ન્યાય ના ત્રાજવા માં વિશ્વાસ નથી.
ત્રાજવાને તોડવા માં ને તૂટેલાં ત્રાજવાનો કાંટો
તમારી ખોપડી ઓ માં ઠોકી
અમને અમારો ન્યાય મેળવવામાં વિશ્વાસ છે.

-મનીષી જાની

Posted by: malji | December 17, 2009

ગુજરાતી શાયરી ભાગ -૪૧

પાંપણ ઝૂકી ગઇ એ શરણાગતિ નથી,
સૌન્દર્ય ની હજૂરે પ્રણય નો વિવેક છે.

-શૂન્ય પાલનપુરી

 

શી સૂર્યતારા સમ તારી શકિત
તારા ઇશારે ફરવું પડે છે,
સ્વછંદી તો ય તુજ પ્યારમાં તો
તું જે કહે એ કરવું પડે છે.

-શેખાદમ આબુવાલા

 

તમને જોવાથી સરિતાઓ ને વહેતાં આવડયું,
સાગરોને પણ ઊછળતાં, મસ્ત રહેતાં આવડયું.

-બેફામ

 

સમયની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.

-મરીઝ

 

ફૂલના રસથી પ્યાલા ભરી એ
આવ જરા મન હળવું કરીએ.

-શૂન્ય પાલનપુરી

 

Posted by: malji | December 7, 2009

ગુજરાતી શાયરી ભાગ-૪૦

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થાશે,
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો,
મૌન પેદા કરે છે ભરમ કેટલા.

-શૂન્ય પાલનપુરી

 

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળ ના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

-ગની દહીંવાલા

 

આ કસક હૈયે અમસ્તી હોય નૈં,
તેં ફરી મારી છબી ચૂમી હશે.

-હરીન્દ્ર દવે

 

હૈયું તો કહ્યા કરશે ‘લાગણી વહાલી છે’,
આંખ ઉપરથી જાણી લો કેટલી વહાલી છે.

-શૂન્ય પાલનપુરી

 

મૌનમાં ક્યારેક વાતો કંઇક સુણાવી જાઉં છું,
વાતમાં ક્યારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

-ઘાયલ

 

 

Posted by: malji | December 2, 2009

તો કેવા વડોદરાવાસી ?

વાત કરું માંડીને તો,
એક હતું નગર નામ એનું વડોદરું,
હસતું, રમતું, ઉછળતું, કૂદતું,
પોતે ખુશ રહેતું બધાને ખુશ રાખતું,
પણ ત્યાં તો ફૂંકાયો કોર્મશિયલાઇઝેશન નો પવન,
પણ વડોદરું, એતો હતું એની મસ્તી માં મગન,
સુરત અને અમદાવાદ ની થઇ બોલબાલા,
અને વડોદરા ની થઇ કિંમત તો જાણે ચાર આના,
૨૦૦૭ માં વડોદરા પર થઇ મહેર,
વિશ્વમાં ક્યાંય ન હોય એવી લગાવી મહોર,
૧૦ મીલીયન ડોલર ના પ્રોજેક્ટ નું કામ,
ઇન્ડસ વેલી મ્યુઝીયમ એનું નામ,
પણ કોણ જાણે કિસ્મત ક્યાં રૂઠી કે,
રૂઠીયા વડોદરા ના વાસી, આળસ ખંખેરી
ઉઠ્યા ત્યારે જાણ્યું કે પ્રોજેક્ટ તો ગયો છે ખસી.
૫૦ કરોડ નો પ્રોજેક્ટ વડોદરા માં આવવાનો હતો એ
છટકી ને હાથ માં થી લપસીને જાણે આપણે જ આપી
દીધો હોય એમ પૂના જતો રહ્યો, વગર કોઇ કારણે
ત્યારે વડોદરા ના અધીકારીઓ, એમ. એસ, યુનિ. ના
અધિકારી ઓ અને વડોદરા ના લોકો ના પેટ નું પાણી એ જો
ન હાલે તો કેવા વડોદરાવાસી.

-ક્ષિતિજ બેંકર (રેડીયો મિર્ચી)

Posted by: malji | December 1, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૯

તમારા પ્રતાપે પ્રકાશે છે પૂનમ,
તમારી ચમક ચાંદ ચોરી રહ્યો છે,
કહે છે ગગનના સિતારે સિતારા,
જગતમાં અમારો સહારો તમે છો.

-બેફામ

કિસ્મત માં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ નાં ગીત હો.

-શૂન્ય પાલનપુરી

વાટ જોવામાં વિતાવ્યાં મેં તો વરસોનાં વરસ,
તમને મળવાની મને એકાદ બે તો પળ મલે.

-દિલીપ પરીખ

 

કોઇ ઘટના બને એ જરૂરી નથી,
રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.

-સૈફ પાલનપુરી

 

નેણથી થોડી ઘણી જો થાય તો,
આપને હૈયે જગ્યા કરવી હતી.

-ચિનુ મોદી

 

 

Posted by: malji | November 24, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૮

ચાંદ શો ચહેરો નજરમાં છે, તમે તે રાત હો,
કે અમાવસ્યા હશે તો પણ એ પૂનમ લાગશે.

-બેફામ

 

મીઠી મૂંઝવણ હતી હોઠ તો ચૂપ હતા,
જો હતો તો હતો મૌનનો ઇશારો,
એણે જ્યારે કહ્યું “હું તને ચાહું છું,”
જિંદગી એક પળમાં ઉકલી હતી.

-શોભિત દેસાઇ

 

સદા મહેક દીઠી સુવાસિત હ્રદય માં,
તમે છો, થયું એમ સાબિત હ્રદય માં.

-ગની દહીંવાલા

 

નજર માં આપ વિના કોઇ પણ નથી બીજું,
નજર માં આપ રહો એ નજર હું રાખું છું.

-ઘાયલ

 

તને જોવા ઘણીય વાર મુજને
મને મારી નજર જોવી પડી છે

-મરીઝ

Posted by: malji | November 17, 2009

ધુમ્મસભરી એક સવાર

મિત્રો વડોદરા માં આજે તા. ૧૭.૧૧.૦૯ ના રોજ
ખુબ સુંદર ધુમ્મસભરી એક સવાર જે જોવા જેવી છે.
આશા રાખું છું કે તમને જોવી ગમશે.

 

Posted by: malji | November 13, 2009

પ્રેમ

કલેજે ખેલની ભમ્મર કટારી યાદ આવે છે,
હતી કેવી પરસ્પર પ્રીત પ્યારી, યાદ આવે છે.

-ઘાયલ

 

ત્યારથી મેળાપ બંને નો કદી થાતો નથી,
જ્યાર થી તકરાર થઇ છે સંપ ને તકરાર માં.

-જલન માતરી

 

પ્રેમ નું દુઃખ ભલે ને જાહેર ,
સુખ જરા એમાં છાનુંમાનું છે.

-મરીઝ

 

થૈ વધુ સુંદર પ્રસરતાં એના મુખ પર ચાંદની,
ચાંદની બોલી હવે છું હું ખરેખર ચાંદની.

-શેખાદમ આબુવાલા

 

સમય ની લાજ રાખી ઘડીભર તો તમે આવો,
કે પળભર ના ભરોસા ઉપર અહીં આખો જમાનો છે.

-મરીઝ

Posted by: malji | November 5, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૭

મિત્રો આજે આ બ્લોગ ને એક વર્ષ પૂર્ણ થયું છે.
તમારા પ્રેમ અને સહકાર બદલ ખૂબ આભાર.

મહોબ્બતમાં અને વહેવાર માં એક જ તફાવત છે,
તમારું દર્દ હું પૂછું – તમે પૂછો દવા મારી.

-મરીઝ

 

હો ખુલ્લી આંખ સામે તમે, બંધ આંખે સ્વપ્ન,
દર્શન તમારાં એવી રીતે હું સતત કર્યા કરું.

-દિલીપ પરીખ

 

હોઠ પર તો તારે માટે મૌનનાં તાળાં હતાં,
હૈયે તારું નામ ઉચ્ચારતો હું બેસી રહ્યો.

-બેફામ

 

નહિ તો સિતારા હોય નહીં આટલા આટલા
કોઇ વિરાટ સ્વપ્ન ના ચૂરા ચૂરા થયા હશે.

-ઘાયલ

 

વાદળોમાં વીજળી જેવી બળે છે જિંદગી,
દિલમાં તારું દર્દ લઇને ટળવળે છે જિંદગી.

-બેફામ

 

Posted by: malji | November 2, 2009

લીલી પ્રીત

ભલે નગરમાં ભમીએ તોયે મૂળ અમે વનવાસી!
ડામર-પથ્થર સાથે માથાં
ભલે રહે અફળાતાં;
વાહન ની ચીસોથી છોને
અમે રહ્યાં ચમરાતાં!

પર્ણમર્મરો તરુએ તરુની નસનસ માંહી હુલાસી!
બજાર ના ઘોંઘાટો માથે
ભાવતાલના ડેરા,
ગિર્દી ના ઠેલાથી હાંફે
પવનો અરે! નમેરા !

નિર્ઝરનાં ઝરઝરતાં તોયે જલો ઉરે તૃણપ્યાસી!
સુઘડવેશની નગરી સાંજે
ઉતાવળી ઉચ્છવાસે,
‘આસ્તે! આસ્તે!’ ઉઠે પુકારો
જડ પગથીની પાસે,
બંકિમ તોયે વન્ય કેડીની ધૂલિ હિયે સુવાસી.

-વ્રજલાલ દવે

Posted by: malji | October 26, 2009

સાવ અજાણી ભાષા જેવું

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.

સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.

શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

-રશીદ મીર

Posted by: malji | October 23, 2009

-શું થાય શબ્દને?

એને વાપરો, કટકા કરો, વેરવિખેર કરો,
જોડો, ફરી ટુકડા કરો, ફરી જોડો, ઊભા આડા
લીરા કરો, ચૂરા કરો, તેમ તેમ એ વધતો જાય,
ઝીણો ને ઝીણો થતો જાય, પાતળો
મજબૂત અને સૂક્ષ્મ થતો જાય, કઠણ કાતિલ
અને કારણ થતો જાય, બહુ બહુ જોર કરો તો
અંતે એ તમને તોડી, ફોડી, લીરા, ચૂરા, રાખ કરી
ફૂંકમાં ઉડાડી દે અને પોતે ?
પોતે ફરી નવા ગર્ભ માં પ્રવેશે,
અંગ ઉપાંગ, લટકાં, હાસ્ય, રુદનભર્યું
ફરી નવું શરીર ધારણ કરે,
ફરી કોઇ ના ગળામાંથી ગહેકે,
ફરી કોઇ ના અવાજ ને જગાડે,
ફરી કોઇ ના શ્વાસમાં, લોહીમાં વાણીમાં
છંદની જેમ ધબકે અને
કોઇ જો એમ માને કે-
શબ્દને હું આમ રમાડું, શબ્દને
હું આમ ઉલાળું, હું આમ પડકારું
હું એને નવું જીવન આપું, એના આમ
કટકા કરું, એને ઇતરતીતર વેરવિખેર કરુમ
હું એના આમ લીરા કરું, આમ ચૂરા કરું
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
જુઓ મારું જાદુ,
ત્યારે–

-હસમુખ પાઠક

Posted by: malji | October 20, 2009

ગુજરાતી શાયરી ભાગ -૩૬

આવ સામે તો તને હું પ્રેમની દેવી કહું,
વાત મનની એક મૂર્તિને કહીને શું કરું ?

-બેફામ

હું ઘરબાર ભૂલ્યો પરિવાર ભૂલ્યો,
તમે યાદ આવ્યાં તો સંસાર ભૂલ્યો.

-શેખાદમ આબૂવાલા

તું નહીં હો તો જગત આખું જ ભ્રમણા લાગશે,
ઝાંઝવાં હો કે ઝરણ સૌ એકસરખાં લાગશે.

-બેફામ

 

તમને જોવાથી સરોવરમાં કમળ ખીલી શક્યાં,
ગુપ્ત કાદવ પણ પ્રગટાવવાની કલા ઝીલી શક્યાં.

-બેફામ

 

તમને જોયાં તો હ્રદયનું હેત રેલાઇ ગયું,
તાર મનમાં ઝણઝણ્યાં, સંગીત રેલાઇ ગયું.

-બેફામ

Posted by: malji | October 16, 2009

દિવાળી

વ્હાલા મિત્રો

આપ સર્વે ને દિવાળી નિમિત્તે હાર્દિક શુભકામના તેમજ નવા વર્ષ ના

સાલ મુબારક.

આશા રાખું છું કે, આપ સર્વ નું નવું વર્ષ શુભ અને મંગલમય રહે.

-મલજી

Posted by: malji | October 15, 2009

ગુજરાતી શાયરી ભાગ-૩૫

આવો બિરાજો, આવો હ્રદય માં
રૂપને લાયક પાથરણું છે.
કરો ક્યારેક તો પાવન પધારી
અમારું આંગણું પણ આંગણું છે.

-લેખક ?

 

તમારાથી નથી યે કાંઇ પણ મુજને લગન જેવું
મને તો આ પછી શું થાય છે દિલ માં જલન જેવું.

-ઘાયલ

 

પ્રેમનો પંથ આમ ટૂંકો છે,
એક કદમ તો જરા લઇ જુઓ.

-મરીઝ

 

તમારી આંખ પરબડી હો લીમડા હેઠળ,
તો માટલીમાં ઝમે, આ વરસનો ઉનાળો.

-ગની દહીંવાલા

 

કિસ્મતમાં કોઇ ના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલન ના હોઠે જુદાઇ નાં ગીત હો.

-શૂન્ય પાલનપુરી

 

Posted by: malji | October 14, 2009

એક્કેય એવું ફૂલ

એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
કે જે નથી જોયાં થતું- ક્યારે હવે હું જોઉં…
એમાંય તે આજે વસન્ત
મબલખ ફૂલોના ભારથી ડૂબું ડૂબું નૈયા લઇને નાંગરી
આછા શિશિર ના તટ ઉપર
ત્યાં
હું જ ડૂબી જાઉં છું
હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખ માં એની અસર એવી થતી
જેની સુંગધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
ઓટ-ભરતીમાં ઊછળતા માત્ર પાણીનાં અરે બહુ પર્ણમાં
સાગર ખીલેલો લાગતો
પર્વતો પાષાણના કેવા ઠરેલા
તે પણ ખીલેલા લાગતા
એકસરખું ચોતરફ ફેલાયેલું આ આભ પણ
મુજને ખીલેલું લાગતું
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજ ને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો ફૂલોથી કે ભૂલથી?
જે કંઇ ખીલ્યા તે શબ્દ મારા-
અહીંતહીં બધે વેરઇ

લેખક- શ્રી પ્રિયકાન્ત મણિયાર

Posted by: malji | October 11, 2009

ગુજરાતી શાયરી ભાગ -૩૪

તમે ના પારખી શકશો, અમારાં દર્દ એવાં છે,
નથી આધાત પથ્થર નો, પડયો છે માર ફૂલોનો.

-જિતેન્દ્રકુમાર જોષી

 

ઉધાડાં દ્વાર રાખીને, સતત જાગ્યા કરું છું હું,
તમે આવો નહીં, એ વાત હું માની નથી શકતો.

-કૈલાસ પંડિત

 

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

 

તમે ન કામ માં આવો તો કામ માંથી જઇશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.

-મરીઝ

 

મને આ તારી અધબીડેલી આંખો માં સમાવી લે,
મને તો ઘણી ઇચ્છા છે કે કાજલ થાઉં તો સારું.

-શેખાદમ આબુવાલા

 

ભારતીય મૂળ ના શ્રી 07venkat

વેંક્ટરામન રામક્રિષ્નન ને નોબલ પુરસ્કાર થી
સન્માનિત કરવા માં આવ્યા છે. જે ખૂબ જ ગર્વ ની વાત છે.
વડોદરા ના લોકો આ સમાચાર થી વધુ ખુશ થયા છે, કારણ કે
શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન એ બી.એસ.સી ફીઝીક્સ ૧૯૭૧ માં
એમ. એસ. યુનિવર્સિટી માં થી કર્યું હતું.

બરોડીયનો છે ને આનંદની વાત…

શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન ને હાર્દિક શુભેચ્છા…

કાંટાઓને દર્દ છે છાનું, એ હું જાણું,
ફૂલોને યે દિલ છે દીવાનું, એ હું જાણું,
ઝાંઝવા થી ના પ્યાસ બુઝાશે, ઓ દિલ મારા,
અંત જામ અશ્રુનું પીવાનું, એ હું જાણું.

-ઝરીના ‘ચાંદ’

યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ,
ગાલે ચૂમું કે પ્હાનીએ તને ? સનમ.

-કલાપી

 

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

-હરીન્દ્ર દવે

 

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી.

-મરીઝ

 

તમે એકવાર જેને રાત દઇ જાઓ છો જીવન માં,
દિવસ મળતો નથી એને સૂરજ ની રોશની માંથી.

-બેફામ

Older Posts »

Categories